પંડોળી-આમોદ રોડ ઉપરથી વિદેશી દારૂની ૧૦ બોટલો સાથે બાઈક ચાલક ઝડપાયો


આણંદ, તા. ૨૩
પેટલાદ તાલુકાના પંડોળી ગામ નજીક પંડોળી-આમોદ રોડ ઉપરથી પેટલાદ ગ્રામ્ય પોલીસે વિદેશી દારુની દસ બોટલો સાથે મોટરસાયકલ ચાલકને ઝડપી પાડી વિદેશી દારુની દસ બોટલો કબ્જે કરી પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર પેટલાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે નાર ગામનો અર્જુનભાઈ ઉર્ફે ટીલો મનુભાઈ પરમાર મોટરસાયકલ પર વિદેશી દારુની બોટલો લઈ આમોદથી પંડોળી ગામ તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પંડોળી ગામ નજીકથી અર્જુનભાઈ ઉર્ફે ટીલો મનુભાઈ પરમાર આવતા પોલીસે તેની મોટરસાયકલ રોકી તપાસ કરતા મોટરસાયકલની બેગમાંથી વિદેશી દારુની દસ બોટલો કિં.રુા. ૪૦૦૦ ની મળી આવતા આ બનાવ અંગે પોલીસે બોટલો કબ્જે લઈ પોલીસ કોન્સ્ટેબલ ભનુભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે અર્જુનભાઈ ઉર્ફે ટીલો મનુભાઈ પરમાર વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.