Surat

ભાણપુરામાં ચાર રાષ્ટ્રીય પક્ષી મોર બેભાન મળ્યા, એકનું મોત

આણંદ, તા. ૩૦
આંકલાવ તાલુકાના ભાણપુરા ગામમાં આજે ચાર રાષ્ટ્રીય પક્ષી મોર બેભાન હાલતમાં મળી આવતા સ્થાનિક રહીશોએ ૧૯૬૨ એમ્બ્યુલન્સ વાનની ટીમ દ્વારા તેઓની સારવાર કરાવી હતી. જે પૈકી એક મોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક અનુમાન અનુસાર કોઈ ખોરાકી ઝેરી અસરના કારણે મોરનું મોત નીપજ્યું હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાને લઈને વન વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ભાણપુરા ગામે આજે સવારે એક મોર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને સ્થાનિક પત્રકાર બળવંતભાઈ વાઘેલા દ્વારા આ અંગે ૧૯૬૨ એમ્બ્યુલન્સ વાનને જાણ કરવામાં આવતા પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા મોરની સારવાર કરવામાં આવી હતી. નજીકના વિસ્તારમાંથી વધુ ત્રણ મોર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ચાર મોર બેભાન હાલતમાં મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. અને પશુ ચિકિત્સકો દ્વારા મોરની સારવાર હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એક મોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજતા વન વિભાગ હરકતમાં આવ્યંુ હતું અને વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન ઝેરી ખોરાકને કારણે મોરને અસર થઈ હોવાની તેમજ એક મોરનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે. પશુ ચિકિત્સક દ્વારા મૃત મોરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુનું કારણ જાણવાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button