અમને તમારો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી, નેપાળે ચીનને આડકતરો સંકેત કરી દીધો


નવી દિલ્હી તા.૧૩
નેપાળની આંતરિક બાબતોમાં વધતી જતી ચીનની દખલના મામલે નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી નારાજ હોય એવો અણસાર નેપાળે ચીનને આપી દીધો હતો. ઓલીએ કહ્યું કે અમને બીજાની દખલ પસંદ નથી. અમે સ્વતંત્ર છીએ અને અમારા ર્નિણય અમે જાતે કરીએ છીએ.
આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાતો માને છે કે આ રીતે નેપાળે ચીનને કહી દીધું હતું કે અમારી આંતરિક બાબતોમાં માથું મારવાનું બંધ કરો. ઓલીએ કહ્યું કે અમે સ્વતંત્ર રાષ્ટ્ર છીએ અને અમારા ર્નિણયો અમે જાતે કરીએ છીએ. ઓલીએ ભારતીય નેતાગીરીના વખાણ કરીને ભારત તરફ પોતાની મૈત્રી દર્શાવી હતી. એક ભારતીય ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઓલીએ કહ્યું કે ભારત સાથેના અમારા સંબંધો ગાઢ છે. અગાઉ કદી નહોતા એટલા અત્યારે અમારા સંબંધો આત્મીય છે.નેપાળી દૈનિક કાઠમંડુ પોસ્ટના રિપોર્ટ મુજબ રાજકીય સંકટમાં ઘેરાયેલા ઓલીએ પોતાના આ નિવેદન દ્વારા એક કાંકરે બે પક્ષી માર્યા હતા. પહેલો સંદેશો નેપાલની પ્રજાને હતો કે અમારા (ઓલીના) મનમાં નેપાળના હિત સિવાય બીજું કશું નથી. બીજાે સંદેશો તેમણે ભારતીય નેતાગીરીને આપ્યો હતો. નેપાળના શાસક પક્ષ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના ઓલીના જૂથ સાથે સંકળાયેલા એક નેતાએ કહ્યું કે એાલીના ઉદ્ગાર વિચારપૂર્વકની ગણતરી પછી કરાયેલા છે જેથી ભારત સાથેના સંબંધો પૂર્વવત્ થઇ શકે.રાજકીય સમીક્ષકો માને છે કે ઓલીએ નેપાળમાં ચૂંટણી જાહેર કરી દીધી છે એટલે અત્યારે એને ભારતની વધુ જરૂર છે. ભારતમાંના નેપાળના ભૂતપૂર્વ રાજદૂત લોકરાજ બરલે કહ્યું કે આ નિવેદન દ્વારા ઓલીએ એવો પણ સંદેશો આપ્યો હતો કે ભારત અને નેપાળ બંનેને એકમેકની જરૂર છે. બંનેને એકબીજા વિના ચાલી શકે એમ નથી. લોકરાજ બરલ ઓલીની ખૂબ નિકટ હોય એવી માન્યતા છે.રાજકીય સમીક્ષકોનું એક જૂથ એમ માને છે કે અત્યારે ઓલીએ ભારત સાથેના સંબંધો ગાઢ કરવા પડે એવી સ્થિતિ સર્જાઇ છે. ચીને નેપાળમાં ઘુસણખોરી કરવાના પ્રયાસો કર્યા બાદ નેપાળ ચોંકી ઊઠ્યું હતું અને એને ચીનના ઇરાદા વિશે શંકા જાગી હતી એટલે ફરી ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો.