

ઉત્તરાયણને દિવસે પતંગબાજીની મજા પવનની ગતિ પર નિર્ભર હોય છે, જેને કારણે ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે, તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. ત્યારે ઉત્તરાયણના દિવસે સવારથી બપોર સુધી પવનની ગતિ 10થી 18 કિલોમીટરથી વધુ રહેવાની શક્યતા હોવાથી પતંગરસિકોને બપોર સુધી મોજ પડી જશે. ત્યારબાદ ગતિ ઘટતાં ઠૂમકાં મારવા પડશે.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, ઉત્તરાયણના દિવસે સવારથી બપોર સુધી પવનની ગતિ સારી રહેશે. બપોર પછી ગતિ ઘટીને 5થી 9 કિમીની થઈ જશે. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે સવારે 9.30થી બપોરે 12.30 સુધી પવનની ગતિ 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દિવસે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 11થી 12 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.
ગુરૂવારે પવનદેવ ખુશ કરશે
આજે બુધવારે મોડી રાત સુધી પતંગ અને દોરી ખરીદવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતા. છેલ્લી ઘડીની ખરીદી કરીને પતંગબાજી માટે અમદાવાદીઓ સજ્જ થઈ ગયા છે. ત્યારે હવામાન વેબસાઈટ એક્યુવેધર દ્વારા કરાયેલા હવામાન અનુમાન મુજબ આવતીકાલે ઉત્તરાયણે પૂર્વ-ઉત્તર-પૂર્વમાં 9 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
શુક્રવારે પણ પતંગરસિયા પતંગદાજીની મજા લે એટલો પવન હશે
હવામાન વેબસાઈટ એક્યુવેધર અનુસાર શુક્રવારે પણ હવામાન સામાન્ય રહેશે અને પતંગદાજીને અનુકૂળ હવામાન રહેશે. તેમજ પવનની ગતિ પણ 6 કિમી પ્રતિકલાકની ગતિએ રહેશે. પવન ઉત્તર ઉત્તરપૂર્વમાંથી ફૂંકાશે.
પતંગબાજી માટે પવનની ગતિ
પવનની ગતિ 10 કિ.મી. કે તેથી વધુ આદર્શ ઝડપ – પતંગ સરળતાથી ચગાવી શકાય
પવનની ગતિ 10 કે તેથી ઓછી વધુ ઠમકા મારવા પડે- મોટી ઢાલ જેવા પતંગ ચગી ન શકે
પવનની ગતિ 5 કિ.મી.થી ઓછી મોટાભાગના પતંગો ચગી શકે નહિ