
આણંદ, તા. ૨૦
સોજીત્રા તાલુકાના ડાલી ગામે પ્રેમસબંધની અદાવત રાખી યુવકને માથામાં ધારીયું મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ સોજીત્રા પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર સોજીત્રા તાલુકાના કાસોર ગામે રહેતા શૈલેષભાઈ સોમાભાઈ પરમાર રેલ્વેમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેઓને ડાલી ગામના બુધાભાઈ પરમારની દિકરી ગીતાબેન જેણીને કાસોર ખાતે પરણાવેલી છે. જેની સાથે છેલ્લા ૧૫ વર્ષથી પ્રેમસબંધ છે. ગત રાત્રીના ૧૧વાગ્યાના સુમારે શૈલેષભાઈ તારાપુરથી મજુરોના પૈસા લઈ પોતાના મિત્રની મોટરસાયકલ લઈ કાસોર ગામે જઈ રહ્યા હતા અને રસ્તામાં ડાલી ગામે તેઓને ઘાસના પુળાની જરુર હોય તેઓ ડાલી ગામના પાટીયા પાસે મોટરસાયકલ પાર્ક કરી બુધાભાઈ પરમારના ઘર તરફ જતા હતા. ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યાના સુમારે બુધાભાઈનો દિકરો કમલેશભાઈ તથા વીરસિંગ પરમાર અચાનક આવી જતા ચોર ચોર છેની બુમો પાડી કમલેશે શૈલેષભાઈને માથામાં લાકડી મારી તેમજ બુધાભાઈ પરમારે ધારીયું મારી ગંભીર ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વીરસિંગ પરમારે ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન ઘટનાની જાણ થતા સોજીત્રા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગંભીરપણે ઘવાયેલા શૈલેષભાઈને ત્વરીત સારવાર માટે સોજીત્રા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. જે બનાવ અંગે શૈલેષભાઈએ તેઓ પર બુધાભાઈની દિકરી ગીતા સાથે પ્રેમસબંધ હોવાની અદાવત રાખી બુધાભાઈ સહિત ત્રણ જણાએ માથામાં ધારીયું અને લાકડીઓ મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યા અંગે સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બુધાભાઈ ડુંગરભાઈ પરમાર, કમલેશભાઈ બુધાભાઈ પરમાર અને ટ્રેકટરનો ડ્રાઈવર વીરસંગભાઈ પરમાર સહિત ત્રણ જણા વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૭, ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.