
આણંદ, તા. ૨૦
માતર તાલુકાના અલિન્દ્રામાં પત્નીએ રસોઇ ન બનાવતા ઉશ્કેરાયેલા પતિએ તેને મારમારીને, કોઇ ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ મામલે માતર પોલીસે પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અલિન્દ્રામાં રહેતા રેખાબેનના લગ્ન ૨૦ વર્ષ અગાઉ વિષ્ણુભાઇ સાથે થયા હતા. દંપતિને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મંગળવારે સવારે વિષ્ણુ ગામમાં ગયા બાદ બપોરે પરત આવ્યો હતો. જેથી રેખાબેને પતિ ગરમ જમે તે માટે તેને ખિચડી બનાવવા બાબતે પૂછતાં, વિષ્ણુએ ના પાડી હતી અને રસોઇ કેમ કરી નથી તેમ કહીને રેખાબેનને અપશબ્દો બોલી, માર માર્યો હતો. ઉશ્કેરાયેલા વિષ્ણુએ ઘરમાં પડેલી કોઇ ઝેરી દવા ગાળીને તે રેખાબેનને પીવડાવી દીધી હતી. આ સમયે ઘર પાસે ઉભેલા રેખાબેનના સંતાનોએ બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. જાેકે, વિષ્ણુ રેખાબેનને દવાખાને લઇ જવા દેતો ન હોવાથી, પાડોશીઓએ રેખાબેનના પિતાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અને પુત્રીને સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં સમયસરની સારવાર મળી જતાં હાલમાં રેખાબેનની તબિયત સુધારા પર છે. આ મામલે રેખાબેનની ફરિયાદના આધારે માતર પોલીસે વિષ્ણુની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.