આણંદ

વાસદમાં રસ્તાની સાફ સફાઈ બાબતે ઝઘડો થતા ગડદાપાટુનો માર માર્યો

આણંદ, તા. ૨૩
વાસદમાં મહીસાગર નદી કાંઠે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તરફ જવાના માર્ગની સાફ સફાઈ બાબતે ઝઘડો થતા બે શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ બનાવ અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર વાસદ ગામે મોટી ખડકીમાં રહેતા પુનેશભાઈ પીનાકીનભાઈ પટેલ વાસદ મહીસાગર નદી કાંઠે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે વહીવટ કરતા હોય પુનેશભાઈ તથા જીજ્ઞેશભાઈ પટેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તરફ જવાના ખરાબાના રસ્તાની જેસીબી દ્વારા સાફ સફાઈ કરાવતા હતા ત્યારે ગામમાં મોટી ખડકીમાં રહેતા કલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ પટેલ અને જયકુમાર જીતેન્દ્રભાઈ પટેલે આવી આ મંદિર તથા રસ્તાવાળી તમામ જગ્યા અમારી છે. અહીયા તમારે સાફ સફાઈ કરવી નહી તેમ કહેતા પુનેશભાઈએ તેમની પાસે જગ્યાનો નકશો બતાવવાની માંગ કરતા બંને જણાએ ઉશ્કેરાઈ જઈ પુનેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે જીજ્ઞેશભાઈ વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બનાવ અંગે પુનેશભાઈ પીનાકીનભાઈ પટેલે વાસદ પોલીસ મથકે જયકુમાર જીતેન્દ્રભાઈ પટેલ અને કલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button