ચીખોદરા જલાનગરમાં પીઓપીનું કામ કરવા આવેલો શખ્સ ચોરી કરતા ઝડપાયો

આણંદ, તા. ૨૩
ચીખોદરા ગામે જલાનગર વિસ્તારમાં રહેતા ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર અને ગામના સરપંચ હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે પોતાના મકાનમાં રુમમાં પીઓપીનું કામ કરાવવા માટે બાકરોલ પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા શેરઅલી સૈયદને બોલાવ્યો હતો. અને છેલ્લા પંદર દિવસથી ઘરમાં પીઓપીનું કામ પુરું થઈ ગયું હતું. તેમ છતાં શેરઅલી સૈયદ વાયરીંગ તથા લાઈટના બહાને તેમના ઘરે આવતો હતો. અને છેલ્લા પંદર દિવસ દરમિયાન બાળકોના પૈસાના ગલ્લામાંથી આશરે ૬૦ થી ૬૫ હજારની ચોરી કરી લઈ ગયો હતો.
હર્ષદભાઈએ પોતાના ઘરમાં બાળકોના પૈસાનો ગલ્લો રાખે છે. જે ભરાઈ જતા તેને ખોલીને તેમાંથી તેઓ પૈસા કાઢી લે છે. ગત છ માસ પુર્વે આ ગલ્લો ભરાઈ જતા તેમાંથી ૧.૯૪ લાખ રુપિયા રોકડા નીકળ્યા હતા અને આ વખતે પણ તેમાં ૭૦ થી ૭૫ હજાર રુપિયા હતા. ગઈકાલે સાંજના ૭-૩૦ વાગ્યાના સુમારે શેરઅલી સૈયદ ઉપરના માળે રુમમાં કામ કરતો હતો ત્યારે હર્ષદભાઈ ત્યાં જતા શેરઅલી સૈયદ ગલ્લામાંથી પૈસા કાઢતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેથી હર્ષદે તેને શું કરે છે તેમ કહેતા શેરઅલી સૈયદ ધક્કો મારીને ઘરની બહાર ભાગી ગયો હતો. જેથી હર્ષદે ચોર ચોરની બુમો પાડતા તેની પાછળ દોડતા રોડ ઉપર લોકોએ શેરઅલી સૈયદને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ હર્ષદે ગલ્લાની તપાસ કરતા તેમાંથી ૯ હજાર રુપિયા નીકળ્યા હતા. જેથી બાકીના ૬૦ થી ૬૫ હજાર રુપિયા શેરઅલી સૈયદ ચોરી કરી લઈ ગયો હોવાનું જણાતા આ બનાવ અંગે હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.