સોજીત્રા નગરપાલિકાની અંતિમ સભામાં થયેલા ઠરાવ અને હાલમાં થઈ રહેલા કામોમાં આભ જમીનનો તફાવત

આણંદ, તા. ૨૩
સોજીત્રા નગરપાલિકાની આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાનારી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા કાવાદાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ચુંટણીને લઈને કેટલાક કામો થઈ રહ્યા છે. જેમાં અંતિમ સામાન્ય સભામાં થયેલા ઠરાવો અને હાલમાં થઈ રહેલા કામોમાં આભ જમીનનો તફાવત જાેવા મળી રહ્યો છે. આ છેલ્લી મિટીંગમાં ચારકુવા ભાગોળ વોટરવર્કસ પાણીની ટાંકીનો તુટી ગયેલો દાદર લીધો ન હતો. અને તા. ૨-૧-૨૦૨૧ ના રોજ ઠરાવ નં. ૧૬૨ થી ટાંકીના દાદર માટે પ્રમુખસ્થાનેથી રજુઆત થઈ હતી. કેટલાક જાગૃત નગરજનો દ્વારા ઠરાવ બુકના ઠરાવોની નકલ મેળવી તપાસ કરતા તા. ૩૧-૧૨-૨૦૨૦ ની સભામાં ઠરાવ નં. ૧૬૦ થી મંજુર કરવામાં આવેલ. જાે આ કામ ઠરાવ નં. ૧૬૦ થી મંજુર કરવામાં આવ્યું હોય તો આ એક જ કામને બીજી વખત ઠરાવ નં. ૧૬૨ થી કેમ મંજુર કરવામાં આવ્યું. આ રીતે નવી ઠરાવથી નગરમાં કેટલાક કામો મંજુર કરાયા છે. નગરમાં ઠેર ઠેર ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. ચુંટણી જાહેર થયા બાદ ઉમેદવારો પોતાના એરીયામાં મતદારોને રાજી કરાવવા વગર ઠરાવે વિકાસના કામો કરાવી રહ્યા છે. છેલ્લી સામાન્ય ઠરાવોની નકલ અને હાલમાં ચાલી રહેલા કામોમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. તેમજ તા. ૮-૧-૨૦૨૧ ના રોજ ટુંકી નોટીસથી મિટીંગ બોલાવામાં આવી હતી. અને આઠ દિવસમાં ફરી મિટીંગ બોલાવાની જરુર કેમ પડી અને ૩૧મી ડિસેમ્બરે યોજાયેલી સામાન્ય સભામાં થયેલા ઠરાવોને બદલવાની જરુર શા માટે પડી. આવા કેટલા ઠરાવ બદલ્યા હતા. તેમ ચર્ચાઈ રહ્યું છે. સોજીત્રા નગરમાં હાલમાં પાણીની સમસ્યા છે. મીઠા પાણીનો વેરો વસુલાય છે પરંતુ મીઠુ પાણી મળતું નથી તેમજ હાલમાં પાણી પુરુ પાડતી ટાંકીની સફાઈ પણ થતી નથી. જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ રહેલી છે. ચુંટણી સમયે મતદારોને રાજી કરવા માત્ર રોડ ઉપર ડામર પાથરી કામ કરવામાં આવી રહ્યું છે.