અહીમા ટી પોઈન્ટ પાસેથી ટવેરા ગાડીમાં બીયરના બે ટીન સાથે ચાર ઝડપાયા

આણંદ, તા. ૨૩
ઉમરેઠ તાલુકાના અહીમા ગામના ટી પોઈન્ટ પાસેથી ખંભોળજ પોલીસે ટવેરા ગાડીમાંથી બીયરના બે ટીન સાથે ચાર શખ્સોને ઝડપી પાડી તેઓની પાસેથી બીયરના બે ટીન, ટવેરા ગાડી, ત્રણ મોબાઈલ ફોન સાથે ૨,૫૮,૭૦૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખંભોળજ પોલીસ મથકના પીએસઆઈ એચ. એમ. રાણા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે લાલપુરા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન એક ટવેરા કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અહીમા તરફ ભગાડી મુકતા પોલીસે કારનો પીછો કરી અહીમા ટી પોઈન્ટ પાસેથી કારને ઝડપી લીધી હતી. કારની તલાસી લેતા કારના આગળના ડ્રોવરમાંથી બીયરના બે ટીન કિં.રુા. ૨૦૦ ના મળી આવતા પોલીસે કારમાં સવાર મહેશભાઈ તેરસિંગભાઈ માવી રહે. મુનાવાણી નિશાળ ફળિયું તા. સીંગવડ જી. દાહોદ, દીપકભાઈ તેરસિંગભાઈ માવી, સોમાભાઈ ઉર્ફે સુભાષ ભીખાભાઈ બારીયા, તેરસિંગભાઈ કડવાભાઈ માવી સહિત ચાર જણની ધરપકડ કરી વિદેશી દારુના બે ટીન, ત્રણ મોબાઈલ ફોન અને ટવેરા કાર સાથે ૨,૫૮,૭૦૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.