જીલ્લા આરોગ્ય વિભાગના સફાઈ કામદારોએ હડતાળ કરી વિરોધ પ્રદર્શન કર્યું

આણંદ, તા. ૪
આણંદ જીલ્લા આરોગ્ય વિભાગ હસ્તક વિવિધ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સફાઈ કામદારો સહિત વર્ગ -૪ ના ૪૫૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર નહી ચુકવાતા આજથી તેઓ હડતાળ પર ઉતરી જીલ્લા પંચાયત કચેરી સામે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જાે તેઓને તાકીદે પગારની ચુકવણી કરવામાં નહી આવે તો આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આણંદ આરોગ્ય વિભાગ હસ્તક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા પટાવાળા, વોર્ડઆયા, વોર્ડબોય અને સ્વીપર સહિત ૪૫૦ થી વધુ કર્મચારીઓને ડી. બી. એન્ટરપ્રાઈઝ અને અન્ય એજન્સી દ્વારા ગત ડિસેમ્બર માસથી છેલ્લા ત્રણ માસનો પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને લઈને આ વર્ગ-૪ ના કર્મચારીઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જે અંગે જીલ્લા વિકાસ અધિકારીને રજુઆતો કરવા છતાં પગાર અંગે કોઈ નિર્ણય નહી લેવાતા વર્ગ-૪ ના કર્મચારીઓએ આજે જીલ્લા પંચાયત કચેરી સામે પ્લેકાર્ડ પ્રદર્શિત કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુંહતું. અને ત્યારબાદ રેલી સ્વરુપે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ત્રણ માસનો પગાર તાકીદે મળે તે માટે યોગ્ય કરવાની માંગણી કરી હતી. નહી તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.