આણંદ

બેડવામાં મતદાનના દિવસે થયેલી મારામારી અંગે સામસામે ફરિયાદ

આણંદ, તા. ૬
આણંદ તાલુકાના બેડવા ગામે મતદાનના દિવસે મતદાન બાબતે થયેલી મારામારી અંગે પાંચ દિવસ બાદ ખંભોળજ પોલીસ મથકે ભાજપના ધારાસભ્ય પુત્ર અને એનસીપીના કાર્યકરો વિરુદ્ધ સામસામે ફરિયાદો નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર બેડવા ગામે વાંટા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જગો રાવજીભાઈ પરમાર એનસીપીના કાર્યકર તરીકે કામ કરે છે. અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં ગત તા. ૨૮-૨-૨૦૨૧ ના રોજ યોજાયેલા મતદાનમાં તેઓ એનસીપીના ઉમેદવાર ભાવિકાબેન બ્રીજેશભાઈ પટેલના મતદાન એજન્ટ તરીકે બેડવા ગામની કુમારશાળાના બુથ ઉપર બેઠા હતા અને બપોરે તેઓ રીલીવર ભુપેન્દ્રભાઈ ડાભીને બુથમાં બેસાડી ઘરે જમવા ગયા હતા અને જમ્યા બાદ તેઓ બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે અને અન્ય ચાર શખ્સોએ આવી જગદીશભાઈ ઉર્ફે જગોને ગામમાં તારું વર્ચસ્વ હોય તું અમારી વિરુદ્ધ મતદાન કેમ કરાવું છું તેમ કહી ઝઘડો કરી જગદીશ ઉર્ફે જગોને દંડા વડે બેફામ માર માર્યો હતો. દરમિયાન પોલીસ આવી જતા જગદીશ ઉર્ફે જગોને છોડાવીને આણંદની ઓર્થોપેડીક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે બનાવ અંગે પાંચ દિવસ બાદ જગદીશભાઈ ઉર્ફે જગોની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલા રહે. ચીખોદરા, ભરતભાઈ હરમાનભાઈ ડાભી, દશરથભાઈ ઉર્ફે દહો હરમાનભાઈ ઉર્ફે કાભઈ ડાભી, અજીતભાઈ હરમાનભાઈ ડાભી તમામ રહે. બેડવા અને હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. ચીખોદરા જલાનગર પાસે વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે ભરતભાઈ ઉર્ફે લોટીયો હરમાનભાઈ ડાભીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર દીપાંકીનીબેન રીતીશકુમાર પટેલની તરફેણમાં મતદાન થાય તે માટે બેડવા મતદાન મથક પર ધ્યાન રાખતા હતા. ત્યારે બપોરના સુમારે એનસીપીના બ્રીજેશભાઈ વીનુભાઈ પટેલ અને જગદીશભાઈ ઉર્ફે જગો રાવજીભાઈ પરમાર બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. ત્યારે ભાજપના કાર્યકર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, અજીતભાઈ હરમાનભાઈ ડાભી, દશરથભાઈ ઉર્ફે દહો હરમાનભાઈ ઉર્ફે કાભઈ ડાભીનાઓએ ભાજપના કાર્યકરોને લુખ્ખાઓ આવીને ઉભા છે તેમ કહી ગાળો બોલતા તેઓએ ઉશ્કેરાઈ જઈને ભરતભાઈ ઉર્ફે લોટીયો અને ધારાસભ્ય પુત્ર હર્ષદભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ જગદીશભાઈના પિતા રાવજીભાઈ અને કાકા ચંદુભાઈએ આવી ભરતભાઈ ઉર્ફે લોટીઓને લાકડી મારી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ અજીતને આંગળી ઉપર બચકુ ભરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ આવી જતા તેઓને છુટા પાડ્યા હતા. આ બનાવ અંગે પાંચ દિવસ બાદ ખંભોળજ પોલીસે ભરતભાઈ ઉર્ફે લોટીયો હરમાનભાઈ ડાભીની ફરિયાદના આધારે જગદીશભાઈ ઉર્ફે જગો રાવજીભાઈ પરમાર, બ્રીજેશભાઈ વીનુભાઈ પટેલ, રાવજીભાઈ પુજાભાઈ પરમાર, ચંદુભાઈ પુજાભાઈ પરમાર અને હસમુખ ઉર્ફે કૈવલ ચંદુભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button