આણંદના સાંગોડપુરા રોડ ઉપર બંધ મકાનના તાળા તોડી ૫૯ હજારની મત્તાની ચોરી

આણંદ, તા. ૬
આણંદ શહેરમાં સાંગોડપુરા રોડ ઉપર આવેલ પંજુરીપાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનના મેઈન દરવાજાનું સેન્ટર લોક તથા નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી તીજાેરીના લોક તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૫૯ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
છે. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં સાંગોડપુરા રોડ ઉપર પંજુરીપાર્ક સોસાયટીમાં રહેતા અને મુળ જુનાગઢના વતની કમલેશભાઈ રમણીકલાલ જેઠવા આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત ગોધરાની કૃષિ ઈજનેરી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૯-૧-૨૦૨૧ ના રોજ રાત્રીના સુમારે તેઓ પોતાના મકાનને બંધ કરી તાળુ મારી પોતાના વતન જુનાગઢ ખાતે તેમના પિતાજીનું ઓપરેશન હોય ત્યાં ગયા હતા. ત્યારે રાત્રીના સુમારે તસ્કરોએ તેઓના મકાનના મુખ્ય દરવાજાનું લોક અને સેન્ટર લોક અને નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી બેડરુમમાં મુકેલી તીજાેરીના લોકર તોડી તેમાંથી સોનાની ચેઈન, સોનાની બુટ્ટી, સોનાનું પેંડલ, સોનાની બુટ્ટીઓ, ચાંદીનો તુલસીક્યારો, ચાંદીની ગાય, બે નંગ ચાંદીના સીક્કા અને ૧૦ હજાર રુપિયા રોકડ મળી ૫૯ હજાર મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાડોસમાં રહેતા મૌલિકભાઈ પ્રજાપતિએ તેઓના મકાનનો દરવાજાે ખુલ્લો હોવાનું અને મકાનમાં ચોરી થઈ હોવાનું જણાવતા તેઓએ મકાનને બીજું તાળું મારી દેવાનું જણાવ્યું હતું. અને ત્યારબાદ તેઓ જુનાગઢથી પરત આણંદ આવ્યા હતા અને તપાસ કરતા તીજાેરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.