
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વિણા ગામની સીમમાં આજે એરફોર્સના એક હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેડિંગ કરવામાં આવતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. એકાએક ખુલ્લા ખેતરમાં ભારે અવાજ સાથે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેડિંગ થતાં આસપાસ ધુળની ડમરીઓ ઉઠી હતી જેના લીધે લોકોમાં કંઈ બન્યું હોવાની આશંકા જાગી હતી અને લોકો ઉમટ્યાં હતા.
ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર આજે તેના ઉડ્ડયન દરમિયાન અચાનક ખેડા જિલ્લાની સીમમાં ઉતારવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં કંઈક ટેકનિકલ ખામી સર્જાતાં પાયલોટે સમયસુચકતા વાપરી તેને જમીન પર ઉતારવાનું મુનાસીબ માન્યું હતું આ સમયે હેલિકોપ્ટર ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વિણા ગામ પરથી પસાર થઈ રહ્યું હતું. કટોકટીની આ પળોમાં પાયલોટે અત્યંત ત્વરિત નિર્ણય લઈ હેલિકોપ્ટરને વિણા ગામની સીમમાં આવેલ એક ખુલ્લા ખેતરમાં ઉતાર્યું હતું. અચાનક હેલિકોપ્ટરના લેડિંગથી આસપાસના લોકોમાં ભય તેમજ કૂતુહલની લાગણી વ્યાપી ગઈ હતી અને શું થયું છે તે જાણવા અનેક લોકો હેલિકોપ્ટરના લેડિંગ કરાયેલ ખેતર તરફ દોડી જતાં ઘટના સ્થળે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. આ ઘટનાને લોકોએ મોબાઈલમાં વિડીયો પણ ઉતારી લીધા હતા. આ લખાય છે ત્યાં સુધીમાં હેલિકોપ્ટરમાં બે જવાન સવાર હતા. હેલિકોપ્ટરમાં શું ખામી સર્જાઈ હતી તે આધારભૂત રીતે જાણી શકાયું હતું, પરંતુ વિયુ નેટવર્કને પ્રાપ્ત વિડીયોમાં હેલિકોપ્ટરમાંથી બહાર આવી પંખા તરફ ચઢતો એક જવાન નજરે ચઢે છે.