નવી દિલ્હી

ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે ખેતીને ૨૦ હજાર કરોડનું નુકશાન થવાની શકયતા

નવી દીલ્હી,તા.૧
છેલ્લા એકાદ સાહથી પડી રહેલા મુશળધાર વરસાદના પરિણામે સૌરાષ્ર્ટ્ર–કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ખેતીનું ધોવાણ થઈ ગયું છે.રાજ્યના ૨૨ જિલ્લાઓમાં સરેરાસ કરતાં વધુ વરસાદ પડવાના કારણે ડેમ,તળાવ અને નદીઓ છલકાયા છે. પરિણામે ખેડૂતોને ખેતીનું ધોવાણ થઈ ગયું છે. ૨૦૨૦નું વર્ષ કોરોનાના કારણે ધંધા-રોજગારની માઠી બેસાડી તો હવે મુશળધાર વરસાદે ખેતીને પતાવી દીધી છે. ખેતીના નુકસાનના કારણે ખેડૂતોને બિયારણ-દવા સહિતનો ખર્ચ માથે પડયો છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં ૮૨.૯૮ ટકા હેકટરમાં વાવેતર થયું છે. મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારમાં ખેડૂતોએ વાવેલા કપાસમાં જીંડવા બળી ગયા છે તો દાડમની ખેતીનો નાશ થયો છે. જૂનાગઢ પંથકના માણાવદર, વંથલીમાં ખેતરોમાં પાણી ભરવાના કારણે ઉભો પાક સડી ગયો છે.
મોરબીના વાંકાનેરમાં અવિરતપણે વરસાદ પડવાના કારણે મગફળી, તલ, કપાસના પાક નિષ્ફળ ગયો છે. તલનાં પાકમાં જીવાત પડી રહી છે. જામનગર, કુતિયાણામાં ઉભો પાક ધોવાયો છે.રાયના ૨૨ જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાની થવા પામી છે. રાજ્યના ૭૨ તાલુકાઓમાં ગંભીર સ્થિતિ નિર્માણ થવા પામી છે.
રાજ્યમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, કપાસ, તુવેર, મગ, અડદ, દિવેલ, સોયાબીનનો પાક ધોવાયો છે. એક અંદાજ મુજબ ખેતીને ૧૫થી ૨૦ હજાર કરોડનું નુકસાનની સંભાવના સેવાઈ રહી છે.
અછત મેન્યુલ–૨૦૧૬ મુજબ ખેડૂતોને સહાય આપોઃ વિપક્ષ નેતા ધાનાણી
રાજ્યમાં પડેલા ભારે વરસાદના પરિણામે સૌરાષ્ર્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ખેતીને વ્યાપક નુકસાની થવા પામી છે. આ તમામ ખેડુતો અછત મેન્યુઅલ-૨૦૧૬ મુજબ સત્વરે નુકસાનનો સર્વે કરીને ૧૦૦ ટકા સહાય ચુકવવાની માગણી વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્રારા કરવામાં આવી છે. જે માટે મુખ્યમંત્રી રૂપારીને પત્ર લખ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડૂતો માટે છેતરપિંડી સમાન હોવાની સાથે યોજનાના માપદંડો તર્કસંગત નથી. ખેડૂતોને છેતરવાનું આયોજનબધ્ધ કાવતરૂ છે.
એસડીઆરએફના નોમ્સ મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશેઃ નીતિન પટેલ
છેલ્લા એકાદ સાહથી પડી રહેલા ભારે વરસાદના પરિણામે ખેતીના પાકને વ્યાપક નુકસાની થવા પામી છે. વરસાદ હળવો થતાંની સાથે જ અસરગ્રસ્ત જિલ્લાઓનાં કલેકટરો સાથે પરામર્શ કરવામાં આવશે.
મહેસુલ વિભાગ, કૃષિ વિભાગને સાથે રાખીને તમામ જિલ્લા કલેકટરો પાસેથી નુકસાની અંગેનો સર્વે કરાવીને જિલ્લાઓમાંથી વિગતો મંગાવવામાં આવશે એસડીઆરએફના નિયમ મુજબ તમામને સમયસર નુકસાની સહાય ચૂકવવામાં આવશે.
૦-૦-૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button