નવી દિલ્હી

જમ્મુ કશ્મીરના સાંબામાં બે પાકિસ્તાની ડ્રોન ઘુસ્યાં,સિક્યોરિટી દળોએ ખદેડી કાઢ્યાં

શ્રીનગર તા.૨૧
જમ્મુ કશ્મીરના સાંબા વિસ્તારમાં શુક્રવારે સાંજે બે પાકિસ્તાની ડ્રોન્સ ઘુસ્યાં હતાં. જો કે સદા સચેત રહેતા સિક્યોરિટી દળોએ બંને ડ્રોન્સને ખદેડી કાઢ્યાં હતાં.
જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ થયા પછી પાકિસ્તાન જરાય સખણું બેઠું નથી. એ સતત કોઇ ને કોઇ પ્રકારના અટકચાળા કરતું રહ્યું છે. અગાઉ પંજાબ તરફની ભારત-પાક સરહદે ડ્રોન દ્વારા હથિયારો ઊતારવાનો પાકિસ્તાનનો પ્રયત્ન ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવ્યો હતો. એ પછી પણ પાકિસ્તાન સતત ડ્રોન મોકલવાના પ્રયાસો છોડતું નથી. શુક્રવારે સાંજે સાંબા વિસ્તારમાં એવા બે પાકિસ્તાની ડ્રોન દેખાયાં હતાં. સીમા સુરક્ષા દળના પ્રવક્તાએ કહ્યું હતું કે આ બંને ડ્રોન ભારતીય સરહદમાં ૫૦૦થી ૭૦૦ મીટરની અંદર ઊડતાં દેખાયાં હતાં. આ ડ્રોન ચક ફકીરા બોર્ડર આઉટપોસ્ટ પાસે દેખાયાં. તરત સીમા સુરક્ષા દળ સાવધાન થઇ ગયું હતું.આ બંને ડ્રોન પાકિસ્તાનના ચમન ખુર્દ બોર્ડર પોસ્ટ તરફથી આવ્યાં હતાં. ભારતીય જવાનોએ ૮૦થી ૯૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પરંતુ બંને ડ્રોન્સ તરત પાકિસ્તાનમાં પાછાં ફરવામાં સફળ થઇ ગયાં હતાં. અત્રે એ યાદ રહે કે ગયા મહિને જમ્મુ કશ્મીરના કેરન વિસ્તારમાં આ રીતે ઘુસેલા એક પાકિસ્તાની કોડકોપ્ટરને ભારતીય જવાનોએ તોડી પાડ્યું હતું. આ કોડકોપ્ટર ચીની બનાવટનું હતું. એના પર પાકિસ્તાની પ્રતીક હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button